જીવન પણ લાગે નાટક કરતું,
એકાધિક પાત્રો એ ભજવતું !
ક્યારેક અટવાતું,
ક્યારેક ડગમગાતું
ક્યારેક સ્થિર રહેતું,
ક્યારેક અસ્થિર બનતું !
જીવન પણ લાગે નાટક કરતું !
ક્યારેક ઉતાવળથી દોડી જતું,
ક્યારેક પાછળ પડી જતું !
ક્યારેક સન્માન મેળવતું,
ક્યારેક અપમાન સહન કરતું !
જીવન પણ લાગે નાટક કરતું !
ક્યારેક ઝરણાંની જેમ શાંત વહેતું,
ક્યારેક દરિયાની જેમ અશાંત રહેતું !
નદીના પ્રવાહની જેમ આગળ વધતું,
જીવન પણ લાગે નાટક કરતું !
ક્યારેક સુખની છાયામાં બેસતું,
ક્યારેક દુઃખમાં ડૂબકી લગાવતું !
ક્યારેક ઈચ્છાઓને પૂર્ણ કરવા મથતું !
જીવન પણ લાગે નાટક કરતું !
પરદા પાછળ રાવણ રહે ને,
પરદા આગળ આવે રામ બનીને !
પરદા પાછળ દુશાસન જેવું લાગતું,
પરદા આગળ ખુદને કૃષ્ણ કહેતું !
જીવન પણ લાગે નાટક કરતું !
ક્યારેક પહાડોની જેમ અડીખમ ઉભું રહેતું,
ક્યારેક વૃક્ષની ડાળની જેમ ડોલતું !
આ જીવન પણ લાગે નાટક કરતું,
એકથી વધારે પાત્રો એ ભજવતું !
જીવન પણ લાગે નાટક કરતું !
અંતે આ પરદો પડી જશે,
પાત્રો ચોમેર ફેલાઈ જશે,
અને નાટક પૂર્ણ થશે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻