[theme_section_hidden_section.ReportAbuse1] : Plus UI currently doesn't support ReportAbuse gadget added from Layout. Consider reporting about this message to the admin of this blog. Looks like you are the admin of this blog, remove this widget from Layout to hide this message.
શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ
શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી છે,શિક્ષણ વ્યક્તિની , દેશની, તથા સમાજની ઉન્નતિ માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવે છે. આજના સમયમાં તો સરકાર દ્વારા RTE હેઠળ 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળેલો છે.
શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે, પહેલા ગુરુકુલ હતા,અને આજે એની જગ્યાએ શાળા- કૉલેજ છે. પ્રાચીન સમયમાં જો આપણે શિક્ષણનું ઉદ્દેશ્ય જોઈએ તો જ્ઞાનપ્રાપ્તિનું હતું. અને એ સમયમાં વિદ્યાર્થી જોડે કેટલું જ્ઞાન છે એના પરથી જ એને ઓળખવામાં આવતો, અર્થાત્ જે વિદ્યાર્થી જોડે જ્ઞાન વધારે એને સમાજ માં નામ , કામ, સન્માન મળતું હતું. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીની ઓળખ જ એનું જ્ઞાન હતું. એ સમયે પણ ભણવામાં હરીફાઈ હતી પણ જ્ઞાનની હરીફાઈ હતી ! એ સમયે શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન આપવાનું હતું, અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું હતું. પરંતુ આજના સમયમાં જ્ઞાન કરતા વિદ્યાર્થીએ મેળવેલા માર્કસને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે એક પ્રશ્ન થાય કે , આજના સમયના શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ ?
આજનું શિક્ષણ માર્કસના માયાજાળમાં ફસાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ! વિદ્યાર્થીની યોગ્યતા એને મેળવેલા માર્કસથી નક્કી થાય છે. પ્રાચીન સમયમાં ગુરુકુળ ઓછા હતા , ગુરુ પણ ઓછા હતા પણ આજના સમય કરતાં તે વધારે સશક્ત હતા. આજે ઘણી બધી શાળાઓ છે, કૉલેજો છે, શિક્ષકો છે છતાં પણ જીવન ઉપયોગી શિક્ષણ કેમ મળતું નથી ? જે જ્ઞાન વિદ્યાર્થીને આપવાનું હોય એ જ્ઞાનની જગ્યાએ માર્કસ ને કેમ વધારે મહત્વ આપવામાં આવે છે ? આજના શિક્ષણની એક કડવી વાસ્તવિકતા છે, જેટલા માર્કસ વધારે એટલો જ એ વિદ્યાર્થી વધારે હોશિયાર !
આજના સમયમાં વિદ્યાર્થી જ્યારે ભણવા માટે શાળામાં દાખલ થાય ત્યાથી જ એ માર્ક્સના માયાજાળમાં ફસાઈ જાય છે, વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાળાએ આવે છે, જીવનમાં પોતાની જાતને કેવી રીતે ટકાવી શકાય, આગળ વધી શકાય, સફળ થઈ શકાય એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ શાળામાં આવે છે. પરંતુ શાળામાં એ વિદ્યાર્થીને જ્ઞાન ની સાથે માર્કસ મળે છે, એના જ્ઞાનની ચકાસણી માર્કસ વડે થાય છે અને પાછું એમાં જ્ઞાન કરતા માર્કસનું વજન વધારે હોય છે ! આજના શિક્ષણનું સત્ય ,જો વિદ્યાર્થી જોડે જ્ઞાન હોય પણ માર્કસ ઓછા આવેલા હોય તો તે જ્ઞાનનું મૂલ્ય ઘટી જાય છે.
તો શું વિદ્યાર્થીએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ કંઈ જ કામનું નથી ? શું વિદ્યાર્થીના જ્ઞાન કરતા એને મેળવેલા માર્કસનું મહત્વ વધારે છે ? શું આજનું શિક્ષણ જ્ઞાન કરતા માર્કસ ને જ વધારે મહત્વ આપે છે ?
શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન હોવું જોઈએ નહિ કે માર્કસ ! સચિન તેંડુલકર , અક્ષય કુમાર જેવા ઘણા વ્યક્તિઓ છે જેમને સાબિત કરી બતાવ્યું કે જ્ઞાન મહત્વનું છે માર્કસ નહિ. આપના આસપાસ પણ ઘણા એવા વ્યક્તિઓ હશે જેમની માર્કશીટમાં ઓછા માર્કસ હશે ! પરંતુ આજે તેમનું સ્થાન ઊંચું છે.
આજે ઘણા વાલીઓ એવું વિચારે છે કે એમના દીકરા કે દીકરીના માર્કસ આખાય વર્ગમાં સૌથી વધારે હોવા જોઇએ ! આજના વાલીઓ વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉંમરમાં માર્ક્સના ખોટા માયાજાળમાં ફસાવી રહ્યા છે ! પરંતુ એના માટે ફક્ત વાલીઓ જ જવાબદાર નથી ક્યાંક આપણી શિક્ષણ પદ્ધતિ પણ જવાબદાર છે ! જ્યાં જ્ઞાન ને બદલે માર્કસને વધારે મહત્વ આપવામાં છે. જો માર્કસ ઓછા હશે તો કદાચ કોઈ નોકરી મળતી હશે એ નહિ મળે, વિદ્યાર્થીને સન્માન નહિ મળે પરંતુ જો જ્ઞાન જ નહિ હોય તો પછી જીવનના મહાસાગરમાં કેવી રીતે ટકી શકશે !
અંતમાં એટલું જ કહીશ કે શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જ્ઞાન આપવાનું, હોવું જોઈએ, વધારે માર્કસ લાવવાનું નહિ. કેમ કે માર્કસ તો આંકડાઓનો સરવાળો છે જ્યારે જ્ઞાન એ જીવન જીવવા માટેનો આધાર છે.
(નોંધ :- આ નિબંધ ભાષા અભિવ્યક્તિ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો તે છે)
Source:
ભાષા અભિવ્યક્તિ